આ ચીજો તમને શિયાળામાં જ મળશે, એનો પૂરેપૂરો લાભ ઊઠાવી લો


વિદેશી અને એક્ઝોટિક ગણાતાં સુપરફૂડ્સ કદાચ શિયાળામાં નહીં ખાઓ તો શરીરને પોષણ મળવામાં બહુ કસર નહીં પડે, પણ જો સીઝનલ અને સ્થાનિક ચીજો નહીં લો તો ચોક્કસ તમે બહુ મોટા ફાયદાથી વંચિત રહી જશો. આજે જોઈએ માત્ર શિયાળાના ત્રણ મહિના માટે જ મળતી એવી લીલોતરી વિશે કે જેનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી.

હંમેશાં સીઝનલ ચીજો જ ખાવી જોઈએ એવું હવે તમામ ડૉક્ટરો અને ન્યુટ્રિશનના નિષ્ણાતો કહેતા આવ્યા છે. આયુર્વેદ તો એમાંય આગળ વધીને કહે છે કે દેશી અને સ્થાનિક હોય એવું ખાવું જોઈએ. એટલે જ તમે જોશો તો દરેક દેશ-પ્રદેશમાં ઊગતી અને સરળતાથી ઉપલબ્ધ ચીજોમાંથી તેમના દેશ-પ્રદેશને માફક આવે એવી વાનગીઓની રેસિપી ડેવલપ થઈ છે. પ્રાદેશિક રેસિપીઓમાં માત્ર સ્વાદને જ ધ્યાનમાં નથી રખાયો હોતો, એમાં જે-તે પ્રદેશની ઋતુ, રૉ-મટીરિયલની અવેલેબિલિટી અને એ સમયે શરીરની જરૂરિયાત એમ ત્રણ ફૅક્ટર્સ ધ્યાનમાં રાખીને ડેવલપ થઈ છે.

આપણી દાદી-નાનીઓ કંઈ અમસ્તું જ શિયાળામાં રોટલો-ઓળો નહોતી બનાવતી. એવી જ રીતે ઉનાળામાં રસ-પૂરી અને ચોમાસામાં કઠોળની વાનગીઓ ખાવાનું પ્રાધાન્ય રહેવા પાછળ પણ ખૂબ ઊંડી વૈજ્ઞાનિક સમજણ છે જ. જોકે આપણી સમસ્યા એ છે કે આપણને હવે બારેમાસ ઓળો-રોટલો અથવા તો રસ-પૂરીની જયાફત ઉડાડવી છે. મુંબઈ જેવા મેટ્રોસિટીમાં હવે બધું મળી પણ રહે છે. વગરસીઝનની વાનગીઓ હેલ્થની દૃષ્ટિએ ભલે ઠીક ન હોય, પણ જીભના ચટાકાને કારણે ખવાય છે બહુ. જોકે ટેસ્ટની લાયમાં આપણે દરેક સીઝનની આગવી અને માત્ર એ જ સીઝનમાં મળતી ચીજોને નજરઅંદાજ કરી દઈએ એ ન ચાલે.

ચાલો, આજે જોઈએ એવાં શાકભાજી અને કંદ વિશે જે માત્ર અને માત્ર શિયાળામાં જ જોવા મળે છે. આ ચીજો એવી છે જે ભાગ્યે જ સીઝન વિના મળે છે અને ધારો કે મળે તો એનો સ્વાદ અને ક્વૉલિટી બરાબર નથી હોતાં. મોટા ભાગે આ ચીજો કઈ રીતે ખાવી એની યોગ્ય રેસિપી ન આવડતી હોવાથી આપણે એને ટાળતા રહીએ છીએ. જુહુમાં રહેતાં કુકિંગ એક્સપર્ટ મીતા ભરવાડા પાસેથી જાણીએ આ રૅર મળતી ચીજોને તમે કઈ રીતે ભોજનમાં સમાવી શકશો.

લીલી હળદર અને આંબા હળદર

સૂકી હળદર તો આપણે બારેમાસ ખાઈએ છીએ, પણ કાચી હળદરની ગાંઠ સૂકવેલી હળદરના પાઉડર કરતાં પોષક તત્ત્વોના મામલે પાવરહાઉસ જેવી છે. લીલી હળદરનું કચુંબર બનાવીને રાખો અને રોજ શિયાળામાં એક ચમચી આ કચુંબર ખાવામાં લઈ શકાય. એકાદ-બે દિવસ લીંબુ-મીઠુંમાં રહેલી હળદર અથાઈ ગયા પછી સ્વાદમાં પણ સરસ લાગે છે. લીલી હળદર થોડીક કડુછી હોય છે એટલે આંબા હળદર બે ભાગ અને લીલી હળદર એક ભાગ લઈને એની લાંબી ચીરીઓ મિક્સ કરી હોય તો કૉમ્બિનેશન સારું રહે.

આ કચુંબરને પાચક બનાવવું હોય તો એમાં લીલી હળદર કરતાં પા ભાગનું આદું લઈને એની ખૂબ જ ઝીણી કચરી અથવા છીણ નાખવું. આ ત્રણ ચીજોના કૉમ્બિનેશનની એક ચમચી જમતાં પહેલાં ખાઈ લો તો ભૂખ ઊઘડશે અને ખાધેલું મસ્ત પચશે. રોજ સવારે તમે શાકભાજીના રસ કાઢીને પીતાં હો તો એમાં પણ એક ટુકડો લીલી અને આંબા હળદર નાખી દીધી હોય તો એ પણ હેલ્થની દૃષ્ટિએ ગુણ કરશે.

ગુજરાતમાં તો લીલી હળદરમાં ભારોભાર ઘી નાખીને કાંદા-લસણ અને ટમેટાંની પ્યુરી નાખીને શાક બને છે. જોકે આપણે એવું ન બનાવી શકીએ તો દરેક શાકમાં હળદરની જગ્યાએ શિયાળામાં છીણેલી લીલી હળદર નાખી શકીએ.

લીલી અને પર્પલ મોગરી

ચોળી જેવી જ દેખાતી મોગરી માત્ર અને માત્ર શિયાળામાં જ મળે છે અને એ પણ ખૂબ મર્યાદિત સમય માટે. લીલા રંગની મોગરી સહેજ મીઠાશવાળી હોય છે જ્યારે ઘેરી પર્પલ મોગરી પહેલાં મીઠી પણ પછી જીભ પર તીખો ચચરાટ છોડી જાય એવી હોય છે. મોગરીનું કાચુંપાકું કચુંબર જેવું શાક આ સીઝનમાં અચૂક ખાવું જોઈએ. શિયાળામાં કોઈ પણ કચુંબરમાં તમે એક-બે મોગરીની કળીઓ પણ સમારીને ઉમેરી શકો છો. બાકી, મોગરી અને પેરુનું શાક પણ બહુ સરસ બને છે. આ કૉમ્બિનેશનમાં તીખો-મીઠો રસ તો હોય જ છે, પણ જો એમાં સહેજ લીંબુ નીચોવવામાં આવે તો વિટામિન સીને કારણે પોષક તત્ત્વો પણ બહુ સરસ રીતે શરીરમાં ઍબ્ઝોર્બ થાય. દહીંને વલોવીને એમાં સહેજ નમક અને શેકેલું જીરું નાખીને બનાવેલું મોગરીનું રાયતું પણ ખાઈ શકાય.

મૂળા અને મૂળાની ભાજી

યસ, માત્ર મૂળા જ નહીં, મૂળાની ભાજી પણ આ સીઝનમાં ખાવી જોઈએ. આપણે ત્યાં લાલ નહીં, સફેદ મૂળા જ અવેલેબલ હોય છે. મૂળા ખરીદવામાં થોડીક કાળજી રાખવી જરૂરી છે. કેમ કે બહુ લાંબા અને જાડા મૂળા ખરીદશો તો તીખા હશે જેનાથી પિત્તના ઓડકાર આવશે. મિડિયમ સાઇઝનું કંદ અને વધુ ભાજી ધરાવતા મૂળા ખરીદવા.

‍મૂળાના પરોઠા, મૂળા-મોગરી-ગાજર અને બીટનું કચુંબર તો બહુ જ કૉમનલી ખાવામાં આવે છે. હા, મૂળાની ભાજીનું શાક પણ તમે બનાવી શકો. જેમ દાળઢોકળીમાં ગુવાર નાખવામાં આવે છે એમ મૂળાની ભાજી ઝીણી સમારેલી નાખી હોય તો તો મૂળા ઢોકળી પણ બહુ સ્વાદિષ્ટ બને. બાકી મૂળાની ભાજીમાં ચણાનો લોટ મિક્સ કરીને બનાવેલું શાક ટ્રેડિશનલી સંતુલિત ડિશ કહેવાય છે.

કોઈ એમ માનતું હોય કે મૂળાની વાનગીઓ ટેસ્ટી નથી હોતી, પણ જો તમે મૂળાની ભાજીનાં ભજિયાં બનાવશો તો ચાની સાથે મજા આવશે. મૂળાના ભજિયાંની ઉપર ખમણેલું બીટ અને સહેજ ચાટ મસાલો નાખીને ખાશો તો ટેસ્ટી લાગશે.

Post a Comment

0 Comments