અમદાવાદી મહિલાએ 15 કિલો ચોકલેટથી બનાવ્યું ભવ્ય રામ મંદિર, જુઓ તસવીરો


રામ મંદિર જન્મભૂમિ કાર્યક્રમને લઈને દેશના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અને દેશના સાધુ-સંતોની હાજરીમાં રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. રામ મંદિર ભૂમિપૂજનને લઈને અમદાવાદમાં રામ ભક્ત શિલ્પા ભટ્ટ દ્વારા ચોકલેટમાંથી રામ મંદિર બનાવવામાં આવ્યું છે.

અમદાવાદમાં રહેતા શિલ્પા ભટ્ટે 15 કિલો ચોકલેટમાંથી રામ મંદિરનું નિર્માણ કર્યું છે. ચોકલેટમાંથી બનાવેલા રામ મંદિરમાં ત્રણ માળ છે અને 30 પિલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિલ્પા ભટ્ટ દ્વારા ચોકલેટમાંથી બનાવેલા રામ મંદિરની પ્રતિકૃતિ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવાની ઇચ્છા ધરાવે છે, પરંતુ કોરોનાની મહામારી વચ્ચે તેમનું આ સપનું અસંભવ હોવાના કારણે તેઓ ચોકલેટમાંથી બનાવેલા રામ મંદિરને અમદાવાદના કોઈ રામ મંદિરમાં અર્પણ કરશે.


અયોધ્યામાં રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમની ઐતિહાસિક ક્ષણના ગુજરાતના સાત અગ્રણી સંતો સાક્ષી બનશે. આ સાત સંતોમાં સરસા આણંદના અવિચલદાસજી મહારાજ, રાજકોટના પરમાત્મા નંદજી મહારાજ, પ્રણામી સંપ્રદાયના કૃષ્ણજી મહારાજ, ઝાંઝરકાના શંભુનાથજી મહારાજ, અક્ષર પુરસોત્તમ મહંત સ્વામી મહારાજ, છરોડી ગુરુકુળના માધવપ્રિયદાસજી અને કર્ણાવતીના અખિલેશ્વર દાસજી મહારાજનો સમાવેશ થાય છે.


અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનને લઇને તમામ તૈયારીઓ હાલ પુર્ણ થઈ ગઈ છે. તો બીજી તરફ SPG દ્વારા અયોધ્યામાં તમામ સુરક્ષા વ્યવસ્થા સંભાળી લેવામાં આવી છે. અયોધ્યા શહેરમાં બહારથી આવતા વ્યક્તિઓ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો સ્થાનિક લોકોને પોતાની પાસે ઓળખનો પૂરાવો રાખવો ફરજિયાત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રામ મંદિર નિર્માણને લઈને દેશના લોકો લાખો-કરોડો રૂપિયાનું દાન પણ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા 21 હજારનું દાન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ દ્વારા 5 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મોરારી બાપુની આ જાહેરાત બાદ 18 કરોડ કરતા પણ વધુ રકમ રામ મંદિર નિર્માણ માટે એકઠી થઇ છે.


મંદિરના શિલાન્યાસ કાર્યક્રમને લઇને પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, શ્રદ્ધા, સાહસ, સંયમ, ત્યાગ, વચનબદ્ધતા, દીનબંધુતા રામ નામનો સાર છે. રામ દરેકમાં છે, રામ સૌની સાથે છે. ભૂમિપૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા, ભાઈચારો અને સાંસ્કૃતિક પ્રસંગ બને.

Post a Comment

0 Comments